વિપશ્યના સાધના પરિચય

વિપશ્યના (Vipassana) ભારતની એક અત્યંત પુરાતન ધ્યાન વિધિ છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. વિપશ્યનાનો અભિપ્રાય છે કે જે વસ્તુ સાચેમાં જેવી છે, તેને તે પ્રકારે જાણવી. આ અંતરમનની ઊંડાઈઓમાં જઈને આત્મ-નિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ કરવાની સાધના છે. પોતાના નૈસર્ગિક શ્વાસના નિરીક્ષણથી આરંભ કરીને, પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા સાધક અનિત્ય, દુ:ખ, અને અનાત્મના સાર્વત્રિક સત્યો પ્રત્યક્ષ અનુભવે છે. ચિત્ત-વિશોધન અને સદગુણ-વર્ધનનો આ અભ્યાસ (Dhamma) સાધક ને કોઈ સાંપ્રદાયિક આલાંબનોમાં બાંધતો નથી. આ કારણસર વિપશ્યના સાધના સર્વગ્રાહ્ય છે, કોઈ ભેદભાવ વિના બધાજ માટે સમાનરૂપે કલ્યાણકારીણી છે.

વિપશ્યના શું નથી:

  • વિપશ્યના અંધશ્રદ્ધા પર આધારિત કોઈ કર્મકાંડ નથી.
  • આ સાધના બૌદ્ધિક મનોરંજન અથવા દાર્શનિક વાદ-વિવાદ માટે નથી.
  • આ રજાઓ માણવા અથવા સામાજિક આદાન-પ્રદાન માટે નથી.
  • આ રોજિંદા જીવનના તણાવથી બચવાની સાધના નથી.

વિપશ્યના શું છે:

  • આ દુખમુક્તિની સાધના છે.
  • આ મનને નિર્મળ કરવાની એવી વિધિ છે જેનાથી સાધક જીવનના ચઢાવ-ઉતારોનો સામનો શાંતિપૂર્વક સંતુલિત રહીને કરી શકે છે.
  • આ જીવન જીવવાની કળા છે જેનાથી સાધક એક સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદગાર થઇ શકે છે.

વિપશ્યના સાધનાનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ છે. એનો ઉદેશ્ય કેવળ શારીરિક વ્યધીયોનું નિર્મુલન કરવાનો નથી. પરંતુ ચિત્તશુદ્ધિને કારણસર કોઈ સાયકોસોમેટીક બીમારી દૂર થતી હોય છે. વાસ્તવમાં વિપશ્યના દુખના ત્રણ કારણો દુર કરે છે — રાગ, દ્વેષ અને અવિદ્યા. જો કોઈ આ વિદ્યાનો અભ્યાસ કરતો રહે, તો તે પગલે પગલે આગળ વધીને, પોતાના માનસના વિકારોથી પૂર્ણ રીતે નિતાંત વિમુક્ત અવસ્થાનો સાક્ષાત્કાર કરી શકતો હોય છે.

વિપશ્યના બૌદ્ધ પરંપરામાં સુરક્ષિત રહી હોવા છતાં એમાં કોઈ સાંપ્રદાયિક તત્વ નથી. કોઈ પણ પૃષ્ઠભૂમિની વ્યક્તિ એને અપનાવી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. વિપશ્યનાની શિબિર એવા લોકો માટે છે કે જે ઈમાનદારીપૂર્વક આ વિધિ શીખવાની ઈચ્છા ધરાવે છે. એમાં કુળ, જાતી, ધર્મ અથવા રાષ્ટ્રીયતા આડે આવતા નથી. હિંદુ, જૈન, મુસ્લિમ, સિક્ખ, બૌદ્ધ, ઈસાઈ, યહૂદી તથા અન્ય સંપ્રદાયોના લોકોએ ઘણી સફળતાપૂર્વક વિપશ્યનાનો અભ્યાસ કર્યો છે. જો રોગ સાર્વજનીન હોય તો તેનું નિવારણ પણ સાર્વજનીન જ હોવું જોઈએ.

સાધના અને સ્વયંશાસન

આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના આસન નથી—શિબિરાર્થીઓએ ગંભીર અભ્યાસ કરવો પડતો હોય છે. પોતાના સ્વયં અનુભવથી સાધક પોતાની પ્રજ્ઞા જગાવે છે. કોઈ અન્ય વ્યક્તિ એને માટે આ કામ નથી કરી શકતી. શિબિરની અનુશાસન સંહિતા સાધનાનું જ એક અભિન્ન અંગ છે.

વિપશ્યના સાધના શીખવા માટે ૧૦ દિવસની અવધિ વાસ્તવમાં ઘણી ઓછી છે. સાધનામાં એકાંત અભ્યાસની નિરંતરતા બનાવી રાખવી નિતાન્ત આવશ્યક છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નિયમાવળી અને સમય-સારિણી બનાવવામાં આવેલી છે. આ આચાર્ય કે વ્યવસ્થાપકની સુવિધા માટે નથી. આ કોઈ પરંપરાનું આંધળું અનુકરણ અથવા કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ અનેક સાધકોના અનુભવોનો વૈજ્ઞાનિક આધાર છે. નિયમાવળીનું પાલન સાધનામાં બહુ લાભદાયી થશે.

શિબિરાર્થીએ પુરા ૧૧ દિવસ શિબિર સ્થાન પર રહેવું પડશે. વચ્ચેથી શિબિર છોડીને નહીં જઈ શકાય. અનુશાસન સંહિતાના અન્ય બધા નિયમો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવા જરૂરી છે. જો અનુશાસન સંહિતાનું નિષ્ઠા અને ગંભીરતાપુર્વક પાલન કરી શકવાના હો, તો જ શિબિરના પ્રવેશ માટે આવેદન કરો. આવેદકે સમજવું જરૂરી છે કે શિબિરના નિયમો અઘરા પડવાને કારણે જો એ શિબિર છોડશે તો એ તેના માટે હાનિકારક નીવડશે. એનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ થશે કે વારં વારં સમજાયા છતાં પણ જો કોઈ સાધક નિયમોનું પાલન નહી કરી શકે તો તેને શિબિરમાંથી નીકાળી દેવામાં આવશે.

માનસિક રોગોથી પીડિત લોકો માટે

કોઈ વખત ગંભીર માનસિક રોગથી પીડિત વ્યક્તિ શિબિરમાં એવી આશા સાથે આવે છે કે આ સાધના કરવાથી એનો રોગ દુર થશે. તો ક્યારેક કેટલીક ગંભીર બીમાંરીયોને કારણે શિબિરાર્થી શિબિર પૂરી કરવામાં અસમર્થ રહે છે અને સાધનાના ઉચિત લાભથી વંચિત રહી જાય છે.

અનુશાસન સંહિતા

શીલ (sīla) સાધનાનો આધાર છે. શીલ ના આધાર પર જ સમાધિ (samādhi) —મનની એકાગ્રતા—નો અભ્યાસ કરી શકાય છે. પ્રજ્ઞા (paññā) ના અભ્યાસથી વિકારોનું નિર્મુલન અને પરિણામ-સ્વરૂપ ચિત્ત-શુદ્ધિ થતી હોય છે.

શીલ

સર્વે શિબિરાર્થીઓએ શિબિર દરમિયાન પાંચ શીલોનું પાલન કરવું અનિવાર્ય છે:

  1. જીવ-હત્યાથી વિરત રહીશું.
  2. ચોરીથી વિરત રહીશું.
  3. અબ્રહ્મચર્ય (મૈથુન) થી વિરત રહીશું.
  4. અસત્ય ભાષણથી વિરત રહીશું.
  5. નશાના સેવનથી વિરત રહીશું.

પહેલાના સાધકો, અર્થાત એવા સાધકો કે જેઓએ આચાર્ય ગોયેન્કાજી અથવા એમના સહાયક આચાર્યોની સાથે પહેલા દસ દિવસની શિબિર પૂરી કરેલી છે, અષ્ટ-શીલનું પાલન કરશે.

  1. બપોર પછીના (વિકાલ) ભોજનથી વિરત રહીશું.
  2. શણગાર-પ્રસાધન અને મનોરંજનથી વિરત રહીશું.
  3. ઊંચા વિલાસી શયનના ઉપયોગથી વિરત રહીશું.

પહેલાના સાધકો સાંજના પાંચ વાગ્યે ફક્ત લીંબુ પાણી લેશે, જયારે નવા સાધકો દૂધ, ચા, ફળ લઇ શકશે. રોગ વગેરેની વિશિષ્ઠ જરૂરીયાતવાળા પહેલાના સાધકોને ફળાહારની છૂટ આચાર્યની અનુમતિથી મળી શકશે.

સમર્પણ

સાધના-શિબિરની અવધિમાં સાધકે પોતાના આચાર્યને પ્રતિ, વિપશ્યના વિધિના પ્રતિ તથા સમગ્ર અનુશાસન-સંહિતાના પ્રતિ સંપૂર્ણ સમર્પણ કરવું પડશે. સમર્પિત ભાવ હશે તો જ નિષ્ઠાપૂર્વક કામ થઇ શકશે અને સવિવેક શ્રદ્ધાનો ભાવ જાગશે કે જે સાધકની પોતાની સુરક્ષા અને માર્ગદર્શન માટે નિતાન્ત આવશ્યક છે.

સાંપ્રદાયિક કર્મકાંડ અને અન્ય સાધના-વિધિઓનું સંમિશ્રણ

શિબિરની અવધિમાં સાધક કોઈ પણ અન્ય પ્રકારની સાધના-વિધિ કે પૂજા-પાઠ, ધૂપ-દીપ, માળા-જાપ, ભજન-કીર્તન, વ્રત-ઉપવાસ આદિ કર્મકાંડોના અભ્યાસનું અનુષ્ઠાન નહી કરે. એનો અર્થ બીજી સાધનાઓ અને આધ્યાત્મિક વિધિઓનું અવમુલ્યન નથી, પરંતુ એટલા માટે કે સાધક વિપશ્યના સાધનાને અજમાવવાના આ પ્રયોગને શુદ્ધરૂપે ન્યાય આપી શકે.

વિપશ્યનાની સાથે જાણીજોઈને કોઈ અન્ય સાધના વિધિનું સંમિશ્રણ કરવું હાનિકારક નીવડી શકે છે. જો કોઈ સંદેહ કે પ્રશ્ન હોય તો સંચાલકને મળીને સ્પષ્ટીકરણ કરી લેવું જરૂરી છે.

આચાર્યને મળવું

સાધકને જરૂર હોય તો પોતાની સમસ્યાઓના સંદર્ભમાં આચાર્યને બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે એકલામાં મળી શકે છે. રાત્રે ૯ થી ૯.૩૦ વાગ્યાની વચ્ચે પણ સાધના-કક્ષમાં સાધકને સાર્વજનીન પ્રશ્નૌત્તરનો અવસર ઉપલબ્ધ છે. સાધક ધ્યાન રાખશે કે બધ્ધા પ્રશ્ન વિપશ્યના વિધિના સ્પષ્ટીકરણ માટે જ હોય.

આર્ય મૌન

શિબિરની શરૂઆતથી માંડીને દસમાં દિવસની સવારે લગભગ દસ વાગ્યા સુધી આર્ય મૌન અર્થાત વાણી અને શરીર બન્નેથી મૌન પાલન કરીશું. શારીરિક સંકેતોથી અથવા લખી-વાંચીને વિચાર-વિનિમય કરવો પણ વર્જિત છે.

અત્યંત જરૂરી હોય તો વ્યવસ્થાપકની સાથે તથા વિધિને સમજવા માટે આચાર્યની સાથે બોલવાની છૂટ છે. અને આવા સમયે પણ ઓછાંમાં ઓછું જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું હિતાવહ છે. વિપશ્યના સાધના વ્યક્તિગત અભ્યાસ છે. તેથી દરેક સાધક પોતે એકલો છે તેમ સમજીને એકાંત સાધનામાં રત રહેશે.

પુરુષો અને મહિલાઓનું અલગ રહેવું

આવાસ, અભ્યાસ, આરામ અને ભોજન આદિ ના સમયે બધા પુરુષો અને મહિલાઓએ અલગ રહેવું અનિવાર્ય છે.

શારીરિક સ્પર્શ

શિબિર દરમિયાન સાધકો એક બીજાને સ્પર્શ બિલકુલ નહી કરે.

યોગાસન અને વ્યાયામ

વિપશ્યના સાધનાની સાથે યોગાસન અને અન્ય શારીરિક વ્યાયામનો સંયોગ માન્ય છે, પરંતુ કેંદ્રોમાં અત્યારે એના માટે જરૂરી એકાંતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેથી કરીને સાધકોને વિનંતી રહેશે કે તેઓ આની જગ્યાએ આરામનાં નિર્ધારિત સ્થાનો પર ચાલવાનો જ વ્યાયામ કરે.

મંત્રાભિષીક્ત માળા-કંઠી, ગંડા-તાવીજ આદિ

સાધક ઉપરોક્ત વસ્તુઓ પોતાની સાથે ન લાવે. જો ભૂલથી લઈ આવ્યા હોય તો કેંદ્ર પર પ્રવેશ કરતી વખતે આ વસ્તુઓ દસ દિવસના વ્યવસ્થાપકોને સૌંપી દે.

નશીલી વસ્તુઓ, ધુમ્રપાન, જર્દા-તમાકુ અને દવાઓ

દેશ ના કાયદા કાનૂન પ્રમાણે ભાંગ, ચરસ આદિ બધા પ્રકારની નશીલી વસ્તુઓ રાખવી અપરાધ છે. કેંદ્રમાં આ વસ્તુઓનો પ્રવેશ બિલકુલ નિષેધ છે. રોગી સાધક પોતાની બધી દવાઓ સાથે લાવે અને એને લગતી ખબર આચાર્યને આપી દે.

તમાકુ-જર્દા, ધુમ્રપાન

કેંદ્રના સાધના સ્થળ પર ધુમ્રપાન કરવાની અથવા જર્દા-તમાકુ ખાવાની સખત મનાઈ છે.

ભોજન

વિભિન્ન સમુદાયના લોકીની પોતપોતાની રુચિ મુજબનું ભોજન ઉપલબ્ધ કરવામાં અનેક વ્યવહારિક મુશ્કેલીઓ છે. તેથી કરીને સાધકોને પાર્થના છે કે વ્યવસ્થાપકો દ્વારા જે સાદું, સાત્વિક, નિરામીષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે તેનો સ્વીકાર કરે. જો કોઈ રોગી સાધકને ડોકટરે કોઈ વિશેષ ખોરાક ખાવાની સલાહ આપી હોય તો તેઓ આવેદન-પત્ર અને શિબિરમાં પ્રવેશતી સમયે આ સુચના વ્યવસ્થાપકોને જરૂરથી આપે જેથી એને લગતી જરૂરી વ્યવસ્થા થઈ શકે.

વેશભૂષા

શરીર તથા વસ્ત્રોની સ્વચ્છતા, વેશભૂષામાં સાદગી અને શિષ્ટાચાર જરૂરી છે. ઝીણા કપડા પહેરવા નિષેધ છે. મહિલાઓએ કુર્તાની સાથે દુપટ્ટાનો ઉપયોગ અવશ્ય કરવો.

ઘણા કેંદ્રો પર ધોબી સેવા ઉપલબ્ધ હોતી નથી. સાધકે જે કેંદ્ર પર જવાનું હોય ત્યાં આ વિષે પૂછી લેવું. ધોબી સેવા ના હોય તો સાધક જરૂરી કપડા સાથે લઇને આવે. નાના કપડા હાથથી ધોઈ લેવા. નાહવાનું અને કપડા ધોવાનું કામ કેવળ વિશ્રામના સમયમાં જ કરવું જોઈએ, ધ્યાનના સમયમાં નહીં.

વોશિંગ મશીન અને ડ્રાયર ઉપલબ્ધ નથી, જેથી બાળકોએ પૂરતાં કપડાં લાવવાના રહેશે. નાના કપડાં હાથથી ધોઈ શકાય છે. નહાવા-ધોવાનું રીસેસ પિરિયડમાં જ કરવાનું હોય છે અને ધ્યાનના સમયમાં નહીં.

બાહ્ય સંપર્ક

પૂર્ણ શિબિર દરમિયાન સાધક કોઈ બાહ્ય સંપર્ક ન રાખે. સાધક કેંદ્રની સીમમાં જ રહે. કોઈને ટેલીફોન અથવા પત્ર દ્વારા પણ સંપર્ક ન કરે. કોઈ અતિથિ આવે તો તેઓએ વ્યવસ્થાપકોનો સંપર્ક કરવો.

વાંચવું, લખવું અને સંગીત

શિબિર દરમિયાન સંગીત કે ગાયન સાંભળવાની, કોઈ વાજિંત્ર વગાડવાની મના છે. શિબિરમાં લખવા-વાચવાની મના હોવાથી સાથે કોઈ લખવા-વાચવાનું સાહિત્ય ન લાવે. શિબિર દરમિયાન ધાર્મિક અને વિપશ્યના સંબંધી પુસ્તકો વાચવા પણ વર્જિત છે. ધ્યાન રહે કે વિપશ્યના સાધના પૂર્ણરીતે પ્રાયોગિક વિધિ છે. લખવા-વાચવાથી એમાં વિઘ્ન પડે છે. તેથી નોટ્સ પણ ન લેવી.

ટેપ રેકોર્ડર અને કેમેરા

આચાર્યની વિશિષ્ટ અનુમતી સિવાય કેંદ્રમાં આ વસ્તુઓનો ઉપયોગ બિલકુલ વર્જિત છે.

શિબિરનો ખર્ચ

વિપસ્યના જેવી અણમોલ સાધનાની શિક્ષા સંપૂર્ણરીતે નિ:શુલ્ક જ અપાય છે. વિપશ્યનાની વિશુદ્ધ પરંપરા અનુસાર શિબિરોનો ખર્ચ આ સાધનાથી લાભાન્વિત થયા હોય તેવા સાધકોના કૃતજ્ઞતાભર્યા ઐચ્છિક દાનથી જ ચાલે છે. જેઓએ આચાર્ય ગોયાન્કાજી અથવા એમના સહાયક આચાર્યો દ્વારા સંચાલિત અલ્પતમ એક દસ દિવસીય શિબિર પૂરી કરી હોય, કેવળ એવા સાધકો પાસેથી જ દાન સ્વીકાર્ય છે.

જેઓને આ વિદ્યા દ્વારા સુખ-શાંતિ મળી હોય, તેઓ એવી મંગળ ચેતનાથી દાન આપે છે કે સર્વત્ર લોકોના હિત-સુખ માટે ધર્મ-સેવાનું આ કાર્ય ચિરકાળ સુધી ચાલુ રહે અને અનેકાનેક લોકોને પણ આવી જ સુખ-શાંતિ મળતી રહે. કેંદ્ર માટે આવકનું બીજુ કોઈ સ્ત્રોત નથી. શિબિરના આચાર્ય તથા ધર્મ-સેવકોને કોઈ વેતન અથવા માનધન નથી આપવામાં આવતું. તેઓ પોતાના સમયનું અને સેવાનું દાન આપતા હોય છે. આ રીતે વિપશ્યનાનો પ્રસાર વ્યાપારીકરણ વગર શુદ્ધરૂપે થતો રહે છે.

દાન ભલે નાનું હોય કે મોટું, એની પાછળ કેવળ લોક-કલ્યાણની ચેતના હોવી જોઈએ. બહુજનના હિત-સુખની મંગલ ચેતના જાગે તો નામ, યશ અથવા બદલામાં પોતાના માટે વિશિષ્ટ સુવિધા મેળવવાના ઉદ્દેશ્યને ત્યજીને પોતાની શ્રદ્ધા અને શક્તિને અનુસાર સાધક દાન આપી શકે છે.

સારાંશ

અનુશાસન સંહિતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા માટેના થોડા બિંદુ

અન્ય સાધકોને ખલેલ ન પહોચે એનો પૂરે પૂરો ખ્યાલ રહે. અન્ય સાધકોની તરફથી ખલેલ પહોચે તો એની તરફ ધ્યાન ન આપે.

અગર ઉપરોક્ત નિયમોમાંથી કોઈ પણ નિયમની પાછળ કારણ શું છે તે કોઈ સાધક સમજી ન શકે તો જરૂરી છે કે તે આચાર્યને મળીને પોતાનો સંદેહ દૂર કરે.

અનુશાસનનું પાલન નિષ્ઠા અને ગંભીરતાપૂર્વક કરવાથી જ સાધના વિધિ યોગ્ય રીતે સમજી શકાશે અને એનાથી પર્યાપ્ત લાભ પ્રાપ્ત કરી શકાશે. શિબિરનું પૂરું મહત્વ પ્રત્યક્ષ કામ. ઉપર છે. તેથી એવી ગંભીરતા રહે કે જાણે આપ એકલા એકાંતમાં સાધના કરી રહ્યા છો. મન અંદરની તરફ રહે જયારે અસુવિધાઓ કે અડચણોની તરફ બિલકુલ ધ્યાન ન રહે.

સાધકની વિપશ્યનામાં પ્રગતિ એના પોતાના સદગુણો પર અને આ પાંચ અંગો–પરિશ્રમ, શ્રદ્ધા, મનની સરળતા, આરોગ્ય અને પ્રજ્ઞા–પર આધારિત છે.

ઉપરોક્ત જાણકારી તમારી સાધનામાં મહત્તમ સફળતા અપાવે. શિબિરના વ્યવસ્થાપકો તમારી સેવા અને સહયોગ માટે સદા ઉપસ્થિત છે અને તમારી સફળતા અને સુખ-શાંતિની મંગળ કામના કરે છે.

સમય સારિણી

આ સમય સારિણી અભ્યાસની નિરંતરતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી બનાવી છે.

 

પ્રાત:કાલ          
૪.00 વાગે      જાગવાનો સમય
૪.૩૦ થી ૬.૩૦   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૬.૩૦ થી ૮.00   નાસ્તો અને વિશ્રામ
૮.૦૦ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૧૧.00   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
બપોર          
૧૧.૦૦ થી ૧૨.00   ભોજન
૧૨.૦૦ થી ૧.૦૦   વિશ્રામ
અપરાહ્ણ          
૧.૦૦ થી ૨.30   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૨.૩૦ થી ૩.30   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૩.૩૦ થી ૫.૦૦   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૫.૦૦ થી ૬.૦૦   દૂધ-ચાય, ફળ કે લીંબૂ-પાણી
સાંજ          
૬.૦૦ થી ૭.00   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૭.૦૦ થી ૮.૧૫   પ્રવચન
રાત્રી          
૮.૧૫ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૯.૩૦   પ્રશ્નોત્તર–ધ્યાનકક્ષમાં
૯.૩૦ વાગે   પોતપોતાના શયનકક્ષમાં આવી જવું, રોશની બંધ અને શયનનો સમય

 

આપ ઉપરોક્ત અનુશાસન સંહિતાની કોપી ધ્યાનથી વાંચવા માટે એડોબી એક્રોબેટમાં અહીંયા ડાઉનલોડ કરી શકશો. આપ પ્રસ્તાવિત વિપશ્યના શિબિરના પ્રવેશ માટે આવેદન કરી શકો છો.

Back to Top